મિત્રો હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે થોડો વિરામ લીધો છે. જેના કારણે આગામી 5 – 6 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સારી વરાપ જોવા મળશે અને કોઈક જગ્યાએ સામાન્ય છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
આશ્લેષા નક્ષત્ર ક્યારે શરૂ થશે?
પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર પછી હવે આવતી કાલથી એટલે કે 3 ઓગસ્ટથી 9:39 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્ર 16 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે અને મોરને વરસાદ ગમતો હોય છે એટલે આશ્લેષા નક્ષત્રમાં પવન સાથે સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.
“આશ્લેષા ચગી તો ચગી ને ફગી તો ફગી” આ નક્ષત્રની કહેવત છે. જૂની માન્યતા પ્રમાણે આ કહેવતનો અર્થ એ થાય કે આ નક્ષત્રમાં વરસાદ પડે તો ખૂબ સારો પડે છે નહીં તો બિલકુલ નથી પડતો. હાલના વૈજ્ઞાનિક મોડલો અનુસાર આશ્લેષા ચગી જવાની છે. એટલે કે સારામાં સારો વરસાદ પડવાનો છે. આ નક્ષત્રમાં મોરનુ વાહન છે એટલે મોર પણ મન મોર બની થનગાટ કરશે. ટૂંકમાં આ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ જોવા મળશે.
મિત્રો પુષ્ય નક્ષત્રએ જે રીતે ગુજરાતને પાણી પાણી કરી દીધું હતું તેવી જ રીતે આશ્લેષા નક્ષત્ર પણ ગુજરાતને પાણી પાણી કરી દેશે એવા હવામાનના મોડલો જોવા મળી રહ્યા છે.
આશ્લેષા નક્ષત્રમાં વરસાદની શરૂઆત થઈ જાય તો, વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. એટલે જ અમુક માણસો આશ્લેષા નક્ષત્રને આંધળી પણ કહે છે.
જે નક્ષત્રનું વાહન મોર, દેડકો, હાથી કે ભેંસ હોય તો તે નક્ષત્રમાં ભરપૂર વરસાદ પડતો હોય છે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોરનું છે એટલે ગુજરાતમાં બે સુમાર વરસાદ વરસશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.