બંગાળની ખાડીમાં રહેલી લૉ પ્રેશર સિસ્ટમ ગઈ કાલે સાંજે મજબૂત થઈને વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ ગઇ છે. આ સિસ્ટમને સંલગ્ન UAC વાતાવરણમાં 7.6km ની ઉંચાઈ સુધી વિસ્તરેલ છે તથા ઉંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં ઢળે છે.
આ સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં સ્થિત છે જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરી ઓરિસ્સા તથા છત્તીસગઢના વિસ્તારો ઉપર છવાશે જ્યાંથી વધુ આગળ ગતિ કરી 9-10-11 ઓગષ્ટ દરમ્યાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ગુજરાતના વિસ્તારો ઉપર આવશે.
આ સિસ્ટમની અસર હેઠળ 8 ઓગષ્ટથી જ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવાશે. ટૂંકમાં લો પ્રેશર સિસ્ટમ 12 કલાકમાં જ મજબૂત બની છે. આ સાથે જ 9 ઓગસ્ટથી રાજ્યમાં અપર લેવલે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે અને આ સિસ્ટમની અસરથી વરસાદમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળશે.
વરસાદનો મુખ્ય રાઉન્ડ 10 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ દરમિયાન રહેશે. ભારતીય હવામાન વિભાગના ચાર્ટ મુજબ 11 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 647 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 જેટલા તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો 101 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 102 તાલુકામાં 10થી 20 ઈંચ સુધી વરસાદ ખાબક્યો. તો બીજી બાજુ રાજ્યના 14 તાલુકામાં 5થી 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.