આગામી 8થી 10 દિવસમાં બધી બાજુ એક સારો સાર્વત્રિક વરસાદ આવી જાય તેવી શકયતા દેખાય છે તે મુજબ આગામી 10 દિવસ એટલે કે 23 જુનથી 3/4 જુલાઈ સુધીમાં બધી બાજુ સાર્વત્રિક વરસાદ થઈ જવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી 10 દિવસમાં અરબીસમુદ્રનું સાયકલોનીક સર્ક્યુલેશન, શીયરઝોન, ટ્રફ જેવા વિવિધ પરિબળો કારણે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે.
હાલ શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાજુ જોર વધુ રહેશે. સમય જતા જતા ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ પણ વરસાદનું જોર વધશે. આગામી 10 દિવસમાં અમુક અમુક દિવસે અમુક અમુક સીમીત વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા પણ રહેશે.
મુંબઈની આજુબાજુના દરિયામાં અપર લેવલ એર સર્ક્યુલેશનથી (UAC) રાજ્યમાં આજે ઠેર-ઠેર વરસાદી માહોલ બનશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો બનશે.
આવતી કાલથી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે. બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું છે.
વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે નવસારીમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તો બીજી તરફ SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં મુકવામાં આવી છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.