પોરબંદર અને વડોદરા વચ્ચે ઉભુ રહી ગયેલું નૈઋત્યનું ચોમાસું હજુ આગળ વધતું નથી પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી નવી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની સક્રિય સ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી શક્યતાઓ છે. ભાવનગર-અલંગ, વિક્ટર સહિતના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં 40થી 50 કિ.મી.ની ઝડપે તોફાની હવામાન પ્રવર્તે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આણંદ, ખેડા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને હવામાન વિભાગ- અમદાવાદ દ્વારા 27 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મુળદ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ સહિતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિ.મી.ની ઝડપે ઝાપટાંવાળું હવામાન તેમજ દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે.
બીજી બાજુ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં એટલે કે, 30 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ થશે તેમજ કચ્છ અને બાકીના ભાગોમાં છુટાછવાયા ઝાપટા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 2થી 6 ઈંચ વરસાદ થશે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.