હાલ ગુજરાતભરમાં તોફાની વરસાદનું જોર ઘટ્યું છે. ચોમાસાએ જાણે બ્રેક લીધો હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા. 6 થી 12 જુલાઈ દરમ્યાન વરસાદનો એક સારો રાઉન્ડ આવશે તેવું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાત રાજયના 44 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 15 તાલુકાઓમાં 10 મી.મી. વરસાદ પડયો છે. 4 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં અત્યાર સુધી જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 200 ટકા વધુ વરસાદ થયો છે. માત્ર કચ્છની વાત કરીએ તો સામાન્ય વરસાદથી 546 ટકા વધુ વરસાદ થયેલ છે. જયારે ગુજરાત રીજનમાં સામાન્ય વરસાદથી 37 ટકા વધુ વરસાદ થયેલ છે.
આગાહી સમયમાં વિવિધ પરીબળો ડેવલપ થશે. જેમાં ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો અમુક દિવસ દક્ષિણ તરફ આવશે. મહારાષ્ટ્ર ઉપર અને અરબી સમુદ્રમાં 3.1 કિ.મી.ના લેવલે થશે. જે બહોળા સર્કયુલેશનરૂપે ઉત્તર તરફ આગળ વધશે. ગુજરાત રાજય ઉપર આવતા દિવસોમાં યુએસી થશે. જેનો ટૂક મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાશે. ઉપરોકત પરીબળો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં વરસાદના રાઉન્ડ માટે ફાયદારૂપ રહેશે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 6 થી 12 જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં આગાહી સમયમાં સારા વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ વરસાદના રાઉન્ડની શકયતા છે.
સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં 30 ટકા વિસ્તારોમાં આગાહી સમયમાં અમુક દિવસે વરસાદની શકયતા કુલ વરસાદ 40 મી.મી. (1.5 ઇંચ) પડી શકે છે.
40 ટકા વિસ્તારમાં આગાહી સમયના ઘણા દિવસ વરસાદની શક્યતા જેમાં કુલ વરસાદ 40થી 80 મી.મી. (1.5 થી 3 ઈંચ) પડી શકે છે. બાકી રહેતા 30 ટકા વિસ્તારમાં આગાહી સમયમાં ઘણા વરસાદની શકયતા કુલ વરસાદ 80થી 120 મી.મી. (3 થી 5 ઈંચ) પડી શકે છે. તેમજ અતિભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં કુલ વરસાદ 200 મી.મી. (8 ઈંચ) પણ વટાવી જાય તેવી શક્યતા છે.
વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.