નમસ્કાર મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરતના ચોર્યાસીમાં પણ ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો તેમજ પાટણ, પોરબંદર અને મહેસાણામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો.
વરસાદનું પુનર્વસુ નક્ષત્ર 06/07/2023 ને ગુરુવારથી ચાલુ થયું છે. આ નક્ષત્રનું વાહન ગધેડાનું છે અને વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે.
પુનર્વસુ નક્ષત્ર લોકવાયકા:
“પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”
લોકવાયકા મુજબ, જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે.
આ નક્ષત્રમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 7 થી 12 જુલાઇના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં 15 ઇંચથી વધુ વરસાદની આગાહી કરી છે, તો બનાસકાંઠામાં 8 ઈંચ તેમજ પાટણ, મહેસાણા, વડોદરા અને આણંદમાં 4-4 ઈંચ વરસાદ ખાબકી શકે છે. ભારે વરસાદના લીધે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
તો આવતી કાલે 8 જૂલાઈએ જામનગરમાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સિવાય કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે.
તો બીજી બાજુ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 6 થી 12 જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં આગાહી સમયમાં સારા વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે.
અશોકભાઈ પટેલની આગાહી અનુસાર, 6થી 12 જુલાઈ સુધી ગુજરાતમાં 30 ટકા વિસ્તારોમાં 1.5 ઈંચ વરસાદ પડી શકે છે. તથા 40 ટકા વિસ્તારોમાં 1.5 થી 3 ઈંચ વરસાદ તેમજ બાકી રહેતા 30 ટકા વિસ્તારમાં 3 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે.
ઘણા વિસ્તારોમાં એકથી વધુ વરસાદના રાઉન્ડની શકયતા છે. તેમજ અતિભારે વરસાદના વિસ્તારોમાં 6થી 12 જુલાઈ સુધીમાં 8 ઈંચથી પણ વધુ વરસાદ પડી શકે છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.