અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેઓએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
ગુજરાતના દરિયાકાંઠા પવનનું જોર વધ્યુ છે, પશ્ચિમ બંગાળની ઉપર જે ડીપ ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. જોકે, વરસાદની દ્રષ્ટિએ ગુજરાત પર આ સિસ્ટમની અસર થવાની સંભાવના નથી, કારણ કે તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભારે પવનના કારણે દક્ષિણ ગુજરાતના એકાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
સિસ્ટમ નજીક આવશે તે સાથે ગુજરાતના ઉત્તર સહિતના ભાગોમાં વરસાદની કેવી સ્થિત રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવશે, હાલ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દક્ષિણ ગુજરાતની જેમ ભારે વરસાદની સંભાવનાઓ નથી.
તો બીજી બાજુ જાણિતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે,આગામી 10મી ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે વરસાદની શકયતા નથી. જયારે દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ દિવસે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, તા. 3થી 10 ઓગષ્ટ સુધીની આગાહીમાં અરબી સમુદ્રના ભેજયુકત પવનો 1.5 કિ.મી. અને તેની નીચેના લેવલમાં ફુલ સ્પીડથી ફૂંકાતા હોય છુટાછવાયા ઝાપટા, હળવા વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદની શકયતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં બાકીના સૌરાષ્ટ્રમાં વધુ માત્રામાં રહેશે. આગાહી સમયમાં પાવ માહોલ રહેશે એટલે કે વરાપ અને રેડા ઝાપટા બન્ને મિક્સ રહેશે.
ગુજરાત રીજનમાં અરબી સમુદ્રના ભેજયુકત પવનો ગુજરાત ઉપરથી પસાર થશે. સામાન્ય ધૂપછાંવ માહોલ રહેશે. જેના લીધે છુટાછવાયા ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને તેની નજીકના વિસ્તારમાં અમુક દિવસે હળવો, મધ્યમ કે ભારે વરસાદ અને કોઈ કોઈ દિવસે સિમિત વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડશે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.