બીપરજોય વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારમાં વધતા ઓછું નુકશાન થયું છે. તેમજ તેના લીધે સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા વાવણી લાયક વરસાદથી ખેડૂતોને ઘણો ફાયદો થયો છે, તો હજુ ઘણા વિસ્તારો વાવણી વગર બાકી પણ છે.
ચોમાસું હાલ રત્નાગીરી પાસે સ્થગિત છે જેને એક બે દિવસમાં આગળ વધવા માટે પરીબળો અનુકૂળ થતાં જાય છે. વાવાઝોડાને લીધે ચોમાસાને આગળ વધવામાં ખાસ કાંઈ નુકશાન થયું હોય એવું લાગતું નથી.
રાજ્યમાં આગાહી સમય (20થી 26 જૂન સુધી) માં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી, પરંતુ તારીખ 24 કે 25 જૂનથી આગાહી સમય સુધી રાજ્યમાં છુટા છવાયા વિસ્તારમાં અલગ અલગ દિવસે વરસાદ જોવા મળશે. તે જેમ જેમ દિવસો જશે તેમ ધીમે ધીમે વિસ્તારમાં વધારો થતો જાશે. જેમાં ખાસ મધ્ય પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે.
પવન વિશે વાત કરીએ તો આગાહી સમય (20થી 26 જૂન સુધી) માં પવનો 15/20 કિમી/ કલાકના કે કોઇ દિવસ તેમાં સામાન્ય વધારો એટલે કે ક્યારેક 25 કિમી/ કલાકના જોવા મળશે.
બંગાળની ખાડીમાં UAC છે તે આગાહીના અંતિમ દિવસોમાં મધ્યપ્રદેશ સુધી આવી જશે, તેને આનુસાંગિક ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાઈ તો ટ્રફના લોકેશન મુજબ રાજ્યને વરસાદનો લાભ મળશે.
બીજી બાજુ અંબાલાલ પટેલે આગાહી જણાવ્યું કે, આગામી 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલાં સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.