આવતી કાલથી તા. 22/06/2023, ગુરૂવારથી આદ્રા નક્ષત્રમાં થશે. આ નક્ષત્રનું વાહન ઘેટું છે. ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે.
આદ્રા નક્ષત્રની લોકવાયકા:
મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા
આદ્રા નક્ષત્રની લોકવાયકા મુજબ, મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે છે. એટલે કે આ વખતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખુબ પવન ફુંકાયો હતો, તેથી લોકવાયકા મુજબ, આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, આગામી 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલાં સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. આ સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો અને બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ બનશે.
તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં કરી છે જે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ (22થી 24 જૂન) સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.