દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ ઓછો છે.
ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. જે બાદ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી,તાપી, ડાંગ, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારો જેવા કે અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
જાફરાબાદમાં લાગ્યું 3 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે પવનની ઝડપ વધવાની શક્યતાને જોતા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ભાવનગરમાં પણ લાગ્યું 3 નંબરનું સિગ્નલ
અમરેલી ઉપરાંત ભાવનગરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે અહીં પણ 3 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઘોઘા, અલંગ તેમજ મહુવાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અહીં દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યાં છે. આથી સ્થાનિકોને દરિયાની નજીક ના જવાની અપીલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત નજીક સમુદ્રમાં બની રહેલા સિસ્ટમને પગલે દમણ વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. આગામી 27 જૂનથી 1 જુલાઈ સુધી દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના પગલે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સહેલાણીઓને પણ દરિયાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.