બિપિરજોય વાવાઝોડાની અસર પૂર્ણ થતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી છે.
તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 અને 20 તારીખ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.