ગુજરાતની માથે ભારે વરસાદનો ખતરો હજુ પણ તોળાયેલો છે. એમાં પણ આજે અને કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડશે. એક બાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આજે નવી નકોર આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આવતીકાલે 15 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુકસાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે.
સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપવામાં આવ્યા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.