ઓગસ્ટ મહિનામાં આ ત્રીજું લો પ્રેશર બન્યું છે. ડિપ્રેશન સિસ્ટમ ધીરે ધીરે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જોકે હવામાનના મોડલોમાં આ સિસ્ટમનો ટ્રેક મધ્ય રાજસ્થાનથી જણાઇ રહ્યો હતો. પરંતુ આ ટ્રેકમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમ આજે દક્ષિણ રાજસ્થાન એટલે કે ગુજરાત બોર્ડરથી ઉપરથી પસાર થશે. જેના લીધે ગુજરાતને વરસાદમાં એક મોટો ફાયદો થશે.
આજે પૂર્વ ગુજરાતના જિલ્લાઓ, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ ઉજળી બની છે. રાજ્યમાં ભારે વરસાદની વાત કરીએ તો, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદ આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.
24 તારીખે બનાસકાંઠામાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં રેડાં-ઝાંપટા પડી શકે છે.
બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર માસમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.