Ashokbhai Patel Forecast: ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે જામનગર જિલ્લાના કેટલાક ભાગોમાં તો વાવણી લાયક વરસાદ પડ્યો છે. આ સિવાય રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઈ ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં પ્રિ-મોન્સુન વરસાદ શરૂ થઈ જશે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે જાણિતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, આજથી 14 જૂન સુધીના સમયમાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે.
આગામી સમયમાં ગરમીનું તાપમાન નોર્મલ રહેશે, પરંતુ અસહ્ય બફારો તથા ઉકળાટ રહેશે અને છુટાછવાયા વાદળો જોવા મળશે. આગાહી સમયના શરૂવાતના સમયમાં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવનની સ્પીડ 15થી 20 કિમિ/કલાકની ઝડપે અને ઝાટકાના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા છે.
આગાહીમાં વધુ જણાવતાં નૈઋત્ય ચોમાસું મધ્ય અરબી સમુદ્રના ભાગો, કર્ણાટક અને તટીય આંધપ્રદેશના બાકીના ભાગો. મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, તેલગાણાં, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્ય પશ્વિમ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્વિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકુળ છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આજથી 14 જુન સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી સમયમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી વધશે, જેમાં માત્રા તેમજ વિસ્તારમાં વધારો જોવા મળશે. પહેલાં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે.
નોંધઃ હવામાન ખાતું ગુજરાતના જે ભાગોમાં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ત્યાં સુધીનો વરસાદ પ્રિ-મોન્સૂન વરસાદ ગણાય.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.