આ નક્ષત્રમાં મીની વાવાઝોડા અને તીવ્ર કડાકા ભડાકા સાથે કરા સ્વરૂપે વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદના છાંટા પડતા હોય તો પણ સારું ચોમાસુ રહે છે તેવું ગણવામાં આવે છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર દરમિયાન 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.

અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે.
જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં લો-પ્રેશર; ગુજરાતમાં આ તારીખથી આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશે!
રોહિણી નક્ષત્ર વિશે કેટલીક માન્યતાઓ છે. આ નક્ષત્રના ચાર પાયા હોય છે. જેમાં કહેવાય છે કે પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ પડે તો બોતરું કાઢે એમ કહેવાય એટલે કે 72 દિવસ સુધી પવન ફૂંકાય. અહીંયા ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રી એટલે 36 દિવસ જ ગણવામાં આવે છે.
જ્યારે રોહિણી નક્ષત્રના બીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના પ્રમાણમાં અને દિવસોમાં ઘટાડો થાય તેવી માન્યતા છે. આ નક્ષત્ર ઉતરતા વરસાદ આવે તો યોગ્ય સમયે ચોમાસાનું આગમન થાય તેવું કહેવામાં આવે છે અને વરસાદ સારો થાય તેવી પણ માન્યતાઓ રહેલી છે.
આ નક્ષત્રના શરૂઆતના 9 દિવસને નૌપતા કહેવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય છે જેમને કારણે તાપમાન અને બફારો ખૂબ જ જોવા મળે છે.
નૌપતા દરમિયાન જેટલું તાપમાન વધે એટલું ચોમાસું સારું રહે છે તેવું કહેવામાં આવે છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત નક્ષત્રોની આગાહી કરવામાં આવે છે
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.