ભારતીય હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તેમજ ઉત્તર પશ્ચિમ કચ્છના થોડા ભાગોમાંથી વિદાય લીધી છે. એટલે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.
હાલ રાજ્યમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એટલે કે દિવસે ગરમી પડી રહી છે અને સાંજે ઠંડુ વાતાવરણ બની રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદ યથાવત્ રહેશે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ અમુક જીલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
ગઈકાલે ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આજની વાત કરીએ તો, આજે પણ પૂર્વ સૌરાષ્ટ્રના છૂટક વિસ્તારોમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની કોસ્ટલ પટ્ટી જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર બાજુના કોસ્ટલના વિસ્તારોમાં આજે પણ વરસાદની એકાદ બે સ્થળે શક્યતા નકારી શકાતી નથી.
તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આજે મંડાણી વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ખાસ અસર કરતા રહેશે નહીં. કેમકે હવામાનના મોડલ ઉપર અભ્યાસ કરતા આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ ઉત્તર ભારત તરફ ફંટાઈ જશે.
જો કે વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. પરંતુ આજે સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારીનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ તેમજ દરીયા કિનારાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનાં વરતારા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.