18થી 22 જૂન સુધીનું પૂર્વાનુમાન; વરસાદનું આગોતરું એંધાણ, વરસાદનો બીજો રાઉન્ડ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 દિવસથી અટકેલું ચોમાસું ફરી આગળ વધ્યું છે. ગઈ કાલે ચોમાસું સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લામાં સત્તાવાર રીતે જાહેર થઇ ગયું છે.

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ પણ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીની વાત કરવામાં આવે તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ અને ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે તેમજ મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદ વરસી શકે છે.

18 જૂનથી 22 જૂન સુધીનું વરસાદ પૂર્વાનુમાન
ગુજરાતમાં 18થી 22 જૂન સુધીની વાત કરવામાં આવે તો જેમ ગયા અઠવાડિયામાં વરસાદ નોંધાયો છે તેવી રીતે આગાહી જળવાઈ રહેશે, જોકે તેમની તીવ્રતા પાછળના દિવસો કરતા થોડી ઓછી હશે. જેમાં અમુક દિવસે ઓછા સીમીત વિસ્તારમાં તો અમુક દિવસોમા મધ્યમ વિસ્તારમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે. સાથે છૂટા છવાયા વિસ્તારમાં ઝાપટાથી માંડીને સારો વરસાદ પણ જોવા મળશે.

આગાહીના દિવસો દરમિયાન સૌથી વધુ વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારોમાં રહેશે. જ્યારે અન્ય વિસ્તારની એક્ટિવિટી ઓછી રહેશે. 22 જૂન પછી એક મોટો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે.

વરસાદનું આગોતરું એંધાણ
આગાહી પછીના આઠથી દસ દિવસમાં એટલે કે 22-23 જૂનથી 2-3 જુલાઈ સુધીમાં બધી બાજુ એક સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી જાય તેવી શકયતા છે જેમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે. આગોતરા એંધાણને અનુમાન જ સમજવુ. જેમાં કુદરતી પરિબળો મુજબ ફેરફાર થઈ શકે છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ પડ્યો
છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ, કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ અને તારાપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: કુદરતી પરિબળો અનુસાર આગાહીમાં ફેરફાર થઈ શકે છે, વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *