18મી જુલાઈથી થશે મોટાં ફેરફારો/ ખેડુતોથી લઈને સામાન્ય માણસના ખિસ્સા પર પડશે મોટી અસર

લગાતાર વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને વધુ એક જટકો લાગવા જઈ રહ્યો છે. પેકેજ્ડ ફૂડ અને દરરોજમાં વપરાતી વસ્તુઓમાં વધુ જીએસટી (GST) ચૂકવવાનો નિયમ 18 જુલાઇથી લાગુ થવા જઈ રહ્યો છે. ગયા મહિને યોજાયેલ બેઠકમાં જીએસટી (GST) પરિષદે વિભિન્ન વસ્તુઓમાં જીએસટી વધારવાનો નિર્ણય કર્યો હતો.

કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર 6માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર 5 ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલવાનો નિર્ણય કર્યો છે.

સોમવારથી દહીં અને છાશમાં એક લિટરના પાઉચમાં વધારો આવી જશે. તેમ જ કુદરતી મધ, પૌઆ, પફ્ડ રાઈસ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ વસ્તુઓ પર પણ લાગશે જીએસટી
જવ, બાજરી, મકાઈ, રાઈ, ઓટ, મકાઈ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય પ્રીપૅક કરેલી ચીજવસ્તુઓ પર જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દરેક ઘરમાં જતાં દૂધ પર પાંચ ટકા જીએસટી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે.

જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો
દૂધ દોહવા માટેના મશીન પર તથા ડેરીમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી મશીનરી પર 18 ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દહીં, છાશ અને લસ્સી પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ પડશે. પાંચ ટકામાંથી 2.5 ટકા જીએસટી અને 2.5 ટકા સીજીએસટીનો હિસ્સો રહેશે. આમ જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો રહેશે.

પ્રિન્ટિંગ, રાઈટિંગ અને ડ્રોઈંગની ઇન્ક પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ડ્રોઇંગ અને માર્કિંગ કરવા માટેના ઉપકરણો પરના જીએસટી 18 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ ચક્કુ, કાગળની કાપવાની છરી, પેન્સિલ છોલવાનો સંચો, બ્લેડ, ચમચી-કાંટો, કેક સર્વર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાતાળ કૂવા કે બોરમાંથી પાણી ખેંચતા ટયૂબવેલ કે ટર્બાઈન પમ્પ, સબમર્સિબલ પમ્પ, બાઇસિકલ પમ્પ પર 18 ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોટલેના હાયર કેટેગરીના રૂમ પર 18 ટકાના દરે જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ સિવાય રૂા.1000 સુધીના દૈનિક ભાડાં લેતી હોટેલના ભાડા પર પણ 12 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.પરિણામે પર્યટકોના ખર્ચમાં વધારો થશે. એલઈડી લેમ્પ, લાઈટ અને ઇલેક્ટ્રિક ફિક્સચર્સ અને તેમની મેટલ પ્રીન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ 12 ટકા જીએસટી હતો તે વધારીને 18 ટકાનો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગરખાં અને લેધરગુડ્સના મેન્યુફેક્ચરિંગ પર લેવાતો જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.

ઘરઘંટી પણ થશે મોંઘી
શાકભાજી, ફળ, કઠોળ, અનાજના શોર્ટિંગ અને સફાઈ માટે ઉપયોગમાં લેવાતા મશીનો, પવન ચક્કી, લોટ દળવાની ઘંટી, ગ્રાઈન્ડર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *