છેલ્લાં થોડા દિવસો દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતુ. ગુજરાતમાં આકાશમાંથી આફતની જેમ વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે પૂરમાં સેંકડો ગામો ડૂબી ગયા હતા તથા અનેક ડેમ ઓવરફ્લો થયા છે.
હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જોકે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, આ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહી જોવા મળે.
આ સાથે 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ તરફ દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવાયું છે. આ સાથે આજે પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી:
જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે.
વેધર મોડેલ મુજબ, 17 જુલાઈથી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ જશે અને અમુક વિસ્તારોમાં સારો તડકો પણ નીકળે જશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.