વરસાદના છેલ્લા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવી દીધા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં હજુ પણ જનજીવન અસ્ત-વ્યસ્ત થયેલું છે. તેવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે આજથી 22 તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી કરી છે.
અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, આગામી 22 તારીખ સુધી વરસાદથી રાહત મળશે. ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદમાં રાહત રહેવાની શક્યતા છે. આગાહી સમયમાં છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે.
આમ, હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. કોઈક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ ઝાપટાં વરસી શકે છે. આ સાથે વધુ માહિતી આપતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં 15 જુલાઇ સુધીમાં જેટલો વરસાદ પડવો જોઇએ તેનાથી 88% જેટલો વધારે વરસાદ પડ્યો છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈ સુધીમાં ગાંધીનગર જિલ્લામાં 32 ટકા અને દાહોદમાં 27 ટકા વરસાદની ઘટ જોવા મળી છે.
ઉત્તર ગુજરાતમાં આગાહી સમય (16થી 22 જુલાઈ) દરમિયાન અમુક દીવસે વરસાદની શક્યતા છે. જેમાં કુલ વરસાદ 20થી 40 MM વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગાહી સમય દરમિયાન અમૂક દીવસે વરસાદી ઝાપટાની શક્યતા છે. જેમાં કુલ 20થી 60 MM વરસાદ વરસી શકે છે.
હાલ એક ઓફ શોફ ટ્રફ ગુજરાતથી મહારાષ્ટ્ર નાં દરિયાકાંઠા સુધી છવાયો છે. એક લો પ્રેશર ઉત્તર ઓડિશા તથા પશ્ચીમ બંગાળની ખાડી નજીક છે અને તેને સંલગ્ન અપર એર સાય્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમીની ઊંચાઈએ છે.
બીજી બાજુ જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.