બંગાળની ખાડી કરતા હાલમાં અરબી સમુદ્ર મજબૂત મૂડમાં છે એટલે ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે. જોકે ઉત્તર ગુજરાત અને કચ્છનો વારો થોડો મોડો આવશે. ગુજરાતનાં દરિયા કિનારે હાલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂ થઈ ચૂકી છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે. પ્રિમોન્સૂન એક્ટિવિટી અને દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી અને દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને અમરેલીના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. વાહન ચાલકોની લાઈટો ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ભાવનગર, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસશે. 11 અને 12 જૂનના અમદાવાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે.
13 અને 14 જૂને અમદાવાદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. હવામાન વિભાગના મતે આગામી ચાર દિવસ રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ જિલ્લામાં મોડી સાંજે તોફાની પવન ફૂંકાશે અને હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસાને લઈને હાલ સકારાત્મક વાતાવરણ છે અને હાલ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.