થોડા દિવસોમાં જ આ માહિનો પુરો થઈ જશે ત્યારે 1 જુલાઈથી ઘણા નવા ફેરફારો થશે. તેથી જુલાઈ મહિનો શરૂ થાય તે પહેલા, તમારે આ ફેરફારો વિશે જાણવું જરૂરી છે. આ ફેરફારોમાં એલપીજી (LPG), ડિમેટ એકાઉન્ટ, પીએમ કિસાન યોજના સાથે સંબંધિત ઘણા નિયમોમાં ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે, તેથી તમારે આ ફેરફારો જાણવા ખુબ જ જરૂરી છે.
1. કેન્દ્ર સરકારે eKYC માટેની સમયમર્યાદા લંબાવી
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે eKYC જરૂરી છે. સરકારે eKYC અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. આ અંગેની માહિતી પીએમ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર આપવામાં આવી છે. PMKISAN લાભાર્થીઓ માટે eKYC ની સમયમર્યાદા 31મી જુલાઈ 2022 સુધી લંબાવવામાં આવી છે.
2. આવતા મહિને લાગુ થશે નવો લેબર કોડ
કેન્દ્ર સરકાર 1 જુલાઈથી 4 નવા લેબર કોડ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા લેબર કોડના અમલ પછી દેશના દરેક ઉદ્યોગ અને ઓફિસમાં મોટા ફેરફારો જોવા મળશે. સૌથી મહત્વની વાત એ છે કે નવા લેબર કોડની અસર સામાજિક સુરક્ષા જેવી કે દૈનિક વેતન, પગાર, પેન્શન અને ગ્રેચ્યુઈટી, શ્રમ કલ્યાણ, આરોગ્ય, કામના કલાકો, રજાઓ વગેરે પર જોવા મળશે.
3. ડ્રાઈવિંગ લાઈસન્સ
કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના સુધારેલા નિયમ મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારની ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમો 1 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવશે.
4. આધાર-પાન લિંકિંગ:
જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કર્યું નથી, તો કોઈ પણ સંજોગોમાં, આ કામ 30 જૂન 2022 પહેલા કરી લો. કારણ કે 30 જૂન પછી તમારે ડબલ પેનલ્ટી ભરવી પડશે. CBDTએ કહ્યું છે કે, કરદાતાઓને અસુવિધા ન થાય તે માટે, તેમને આ સુવિધા આપવામાં આવી રહી છે કે તેઓ 31 માર્ચ, 2023 સુધીમાં આધારને PAN સાથે લિંક કરી શકે છે. જોકે, દંડ ભરવો પડશે.
5. EMI મોંઘી થશે:
RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ તમામ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ હોમ લોન મોંઘી કરી દીધી છે અને જેમની હોમ લોન રીસેટ તારીખ 1લી જુલાઈ છે તેઓએ આ મહિના કરતાં વધુ EMI ચૂકવવી પડશે. ધારો કે તમે અગાઉ 7.25 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે રૂ. 20 લાખની હોમ લોન લીધી હોય, તો તમારે રૂ. 15,808ની EMI ચૂકવવી પડશે. હવે હોમ લોન પર વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કર્યા બાદ તમારે 7.75 ટકાના દરે 16,419 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
6. ડીમેટ એકાઉન્ટ KYC:
જો તમે તમારા ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કર્યું નથી, તો હવે તમારી પાસે 30 જૂન 2022 સુધીનો સમય છે. તમે 30મી જૂન સુધી ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ માટે KYC કરાવી શકો છો. શેરબજારના નિયમનકાર સેબીના જણાવ્યા અનુસાર, હાલના ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટની KYC 30 જૂન, 2022 સુધી કરી શકાય છે. ડીમેટ, ટ્રેડિંગ એકાઉન્ટ ધારકને આ છ KYC સુવિધાઓ અપડેટ કરવી જરૂરી છે. જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે.
7. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન:
દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધને લઈને સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ માટે સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) સાથે મળીને કડક કાયદો બનાવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
8. ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
દેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. 1 જુલાઈથી ગેસના ભાવ વધી શકે છે અને રાહત પણ મળી શકે છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.