કરો વધામણાં; કેરળમાં આવતાં 24 કલાકમાં મેઘરાજાનું આગમન! ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?

WhatsApp Group Join Now

ચોમાસાનું આગમન: ભારતમાં હવે ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને આવનારા કેટલાક દિવસોમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં એક તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં રાહત તો મળી છે પરંતુ હજી ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો વધારે નીચે ગયો નથી.

હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ચોમાસાની પ્રગતિ જે મુજબની ધારણા હતી તે પ્રમાણે જ થઈ રહી છે. ભારતમાં ચોમાસાની શરૂઆત ત્યારે થઈ ગણાય જ્યારે કેરળમાં ચોમાસું પહોંચે, હાલ ચોમાસું આગળ વધે તે માટેની અનુકૂળ સ્થિતિઓ સર્જાઈ રહી છે.

ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

આવનારા 24 કલાકમાં કેરળ પર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે. વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું, પરંતુ અરબી સમુદ્ર તરફની તેની શાખા આગળ વધી નહોતી. જોકે, હવે અરબી સમુદ્રમાં પણ ચોમાસાએ વધારે વિસ્તારોને આવરી લીધા છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારે શરૂ થશે?

હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય વિસ્તારો કરતાં થોડી વધારે છે. આવનારા બેથી ત્રણ દિવસમાં આ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

બીજી તરફ રાજ્યમાં હજી પણ ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો છે અને કેટલાક વિસ્તારોનું તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાને આગળ વધવા માટે તમામ અનુકૂળ સ્થિતિઓ છે અને તેના સમય પ્રમાણે તે આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે મુંબઈ અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે.

ગુજરાતમાં 1 જૂનની આસપાસ કદાચ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પ્રથમ હવામાન પલટાશે. જે બાદ ચોમાસું જેમ આગળ વધશે તેમ અન્ય વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં 15 જૂન એ ચોમાસાની અધિકારીક તારીખ છે, એટલે કે આ તારીખની આસપાસ ચોમાસું પહોંચે તો તે સમયસરનું ચોમાસું ગણાય છે. જો તેનાથી વધારે પહેલાં કે વધારે પછી પહોંચે તો ચોમાસું વહેલું, મોડું ગણાય છે.

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થશે?

હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે. જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ 15 જૂનની આસપાસ થતી હોય છે.

જૂન મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે. ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment