હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી મેઘરાજાએ થોડાક દિવસો દરમિયાન વિરામ લીધો છે. જોકે ટુંક સમય બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. આવનારો રાઉન્ડ સાર્વત્રિક વરસાદના રાઉન્ડની સાથે સાથે ખૂબ જ લાંબો ચાલે તેવો રાઉન્ડ હશે.
એકવાર ફરી રાજ્યમાં ચોમાસું જામશે કારણ કે, બંગાળની ખાડીમાં ફરીથી એક પછી એક લો પ્રેશર બનવાનું શરૂ થશે. જેમાં પ્રથમ લો પ્રેશર 5 ઓગસ્ટની આજુબાજુ ઓરિસ્સાના કાંઠા ઉપર બનશે. આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત સુધી પહોંચે એવા સંકેતો GFS મોડલમાં જણાઈ રહ્યા છે.
આ પેટર્નને આધારિત 5 ઓગસ્ટથી પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી શરૂ થઈ જશે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન એક સારો વરસાદ જોવા મળશે.
જ્યારે બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર પણ 10 ઓગસ્ટની આજુબાજુ બનશે. તેનો ટ્રેક પણ ગુજરાત તરફનો હશે. ટુંકમાં કહીએ તો જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કોઈપણ ખેડૂતે તેમના પાકને પિયત આપવું નહીં પડે એવા ગ્લોબલ મોડલ સંકેતો આપી રહ્યા છે.
મિત્રો 15 ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્ય પાણી પાણી થશે તેવા ચાર્ટ હવામાનના મોડલમાં જણાઇ રહ્યા છે. આ માટે ખેડૂતોએ વરાપ છે તો તેનો લાભ લઈ ખેતીકાર્ય ઝડપથી પૂરા કરી લેવા. જોકે 15 ઓગસ્ટ પછી પાછું લો પ્રેશર બને તેવા સંકેતો જણાય છે. આમ, ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી મેઘો મહેરબાન રહેશે.
ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે જેમાં પરિબળોને આધારે ફેરફારો થઈ શકે છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.