આજથી વરસાદનું પુષ્ય નક્ષત્ર બેસી ગયું છે. આ પહેલા પુનર્વસુ નક્ષત્ર શરૂ હતું. પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે. આ નક્ષત્ર 20/07/2022 થી લઈને 02/08/2022 સુધી ચાલુ રહેશે.
પ્રાચીન લોકવાયકા:
“પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”
લોકવાયકા અનુસાર, જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે આ બે નક્ષત્રમાં વરસાદ જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે.
આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પણ પડ્યો છે. પુનર્વસુ નક્ષત્રમાં વરસાદના આંકડાઓ જોતા એવું લાગે છે કે પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ સારો પડી શકે છે.
પુષ્ય નક્ષત્ર શરૂ થતા પહેલાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
આ સિવાય હવામાન વિભાગે આજે (20 તારીખે) ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં, સુરેન્દ્રનગર અને રાજકોટમાં શનિવારના રોજ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદી માહોલ રહેશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.