મિત્રો, હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે. મઘા નક્ષત્રની શરૂઆતમાં ગુજરાતનાં ઘણાં ભાગોમાં સારો વરસાદ પડ્યો છે. હવે આજથી ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થયું છે. તો અહીં આપણે જાણીશું ફાલ્ગુની નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે?
ફાલ્ગુની નક્ષત્ર 2022:
ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે, પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દરેક વર્ષોની સરખામણીમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે.
પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત આજથી એટલે કે 30-08-2022 ના રોજ 03:18 મિનિટ ચાલુ થયું છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઘેટું છે. ઘેટાનું વાહન વરસાદના જોગ ઊભા કરે છે. આ નક્ષત્રમાં મેઘગર્જના સાથે વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ ફાલ્ગુની નક્ષત્રના છેલ્લા દિવસોમાં સારા વરસાદના જોગ બનવાની શક્યતા છે.
પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં 8 સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે. જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પરિણામે આ વખતે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 100% નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 156% અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 82% જેટલો નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 107%, સૌરાષ્ટ્રમાં 89.44% અને દક્ષિણ ગુજરાતમાં 108.31% જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ સાથે જ રાજ્યમાં હાલમાં 57 જળાશયો 100% ભરાયા છે. આ સિવાય 72 જળાશયો 70%થી 100% જેટલા ભરાયા છે. તો 29 જળાશયો 50થી 70% જેટલાં ભરાયા છે. 22 જળાશયો 25થી 50% ભરાયા છે. જ્યારે 28 જળાશયો 24%થી પણ ઓછાં ભરાયા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.