વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમ છેલ્લી 24 કલાકમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં ધીમી ગતિએ આગળ વધી આજે બપોરે મધ્યપ્રદેશના ઇન્દોરની ઉતરે એમપી-રાજસ્થાન બોર્ડર એરિયા ઉપર સ્થિત હતી. જે આગામી 24-48 કલાકમાં ખૂબ ધીમી ગતિએ પહેલા ઉત્તર પશ્ચિમ પછી મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી ઉતર ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તાર તરફ આવે તેવી સંભાવના છે.
સિસ્ટમના વાદળો મુખ્યત્વે સિસ્ટમની પશ્ચિમે તથા દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે જેથી આગામી 24 કલાક ઉત્તર ગુજરાત તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે.
ગુજરાતમાં સિસ્ટમ સર્જાતા ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. પૂરેપૂરો ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયા સુધી મેઘરાજા રિસાયેલા રહેવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ત્યારે હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકોને હાશકારો થયો છે. ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.
તેઓએ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટિ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 18, 19, 20 તારીખમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થશે. ચોથા રાઉન્ડ બાદ ગુજરાતમાં ફરી પાંચમા રાઉન્ડનો વરસાદ વરસશે. આ રાઉન્ડ બાદ પણ વધુ એક રાઉન્ડ આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવશે.
આજે ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ
વરસાદને લઈને હવામાન વિભાગે આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાંબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત આવતીકાલે 18 સપ્ટેમ્બરે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.