ગયા અઠવાડિયામાં ભારે વરસાદ થયો હતો પછી વરસાદે થોડો વિરામ લીધો હતો. થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. ફરી એકવાર મેઘરાજાની સવારી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પહોંચી ગઈ છે. એવામાં હવામાન વિભાગે 24 તારીખ સુધીની આગાહી કરી છે.
અત્યાર સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓના નીર વલસાડ, નવસારી સહિતના વિસ્તારોના ગામડાઓ અને શહેરોમાં ઘુસ્યા હતા.
બીજી તરફ રોડ-રસ્તા અને કેટલાક ચેકડેમ ધોવાઇ ચૂક્યા છે. અતિભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘરવખરી, ખેતપેદાશો, રોડ-રસ્તા અને માનવ અને પશુ હાનિ થઇ હતી. ત્યારે હવામાન વિભાગે ફરી અતિભારે વરસાદની આગાહી કરતા ગુજરાતના લોકો ચિંતામાં મૂકાયા છે.
22 જુલાઈની આગાહી:
હવામાન વિભાગની આગાહી મુજબ, 22 તારીખે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 જુલાઈની આગાહી:
હવામાન વિભાગ દ્વારા 23 તારીખે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 જુલાઈની આગાહી:
24 તારીખે જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી બાજુ રાજકોટ, મોરબી, પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.