ચોમાસાની શરૂઆત માં જૂનમાં ઓછો વરસાદ થઈ શકે પરંતુ ચોમાસાના પાછળના ભાગમાં સારો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. થોડા દિવસો પહેલા સ્કાયમેટે કેરળમાં 2 જૂને ચોમાસુ આવશે તેવી જાહેરાત કરી અને ભારતીય હવામાન વિભાગે 4 જૂને કેરળમાં ચોમાસુ પહોંચશે તેવી આગાહી કરી છે. ચોમાસુ કેરળમાં પહોંચ્યું તે જાહેર કરવાનો અધિકાર ભારતીય હવામાન વિભાગનો હોય છે જે કેરળમાં ચોમાસુ પહોંચશે ત્યારે તેની જાહેરાત કરશે.
ચોમાસાને જાહેર કરવા માટે અમુક પરિબળો ધ્યાનમાં લેવાતા હોય છે કે કઈ દિશામાંથી પવન વાઈ છે. ત્રણ દિવસ સુધી સતત ચોક્કસ માત્રામાં વરસાદ વરસ્યો હોવો જોઈએ જેવા પરિબળો જણાઈ ત્યારે જ ત્યાં ચોમાસુ પહોંચ્યું ગણાય અને નહીં તો તેને પ્રી મોનસુનનો વરસાદ ગણાય છે.
ચોમાસામાં વરસાદમાં નક્ષત્રો ઘણી મહત્વની ભૂમિકા ભજવતા હોય છે જેમાં વરસાદનું પ્રથમ નક્ષત્ર રોહિણી છે જે 25 મે ના રોજ બેસે છે અને 7 જૂનના રોજ સમાપ્ત થઈ જશે અને આ નક્ષત્ર દરમિયાન વાવાજોડા સાથે છૂટક છૂટક વિસ્તારમાં વરસાદ થતો હોય છે અને આ નક્ષત્રમાં બપોર બાદ જ વરસાદ જોવા મળશે, સવારના સમયમાં વરસાદ નહીં થાય એવી માન્યતા છે આ નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે ત્યાં વર્ષ સારું જાય છે.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનને દિવસે ચોમાસુ બેસવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. પરંતુ ક્યારેય 15 જૂને ચોમાસુ બેસતુ નથી એટલે કે જો ચોમાસુ વહેલું હોય તે વર્ષે 10 તારીખ સુધીમાં બેસી જાય છે અને લેટ ગયું હોય ત્યારે 22 થી 26 તારીખે બેસે પરંતુ 15 જૂને ક્યારેય બેસતુ નથી આ વાસ્તવિકતા છે.
આ વર્ષે ગુજરાતમાં વાવણી એક સાથે થવાની બિલકુલ સંભાવના નથી ટોટલ ત્રણ તબક્કામાં વાવણી જોવા મળશે. 8 જૂનથી 21 જૂન સુધીમાં મુર્ગશીર્ષ નક્ષત્ર છે અને 22 જૂને આદ્રા નક્ષત્ર બેસે છે એટલે ગુજરાતમાં 8થી 12 તારીખ આસપાસ અમુક લોકલ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઇ શકે પરંતુ તે વિસ્તાર ખૂબ એટલે ખૂબ ઓછો હશે.
જ્યારે 19થી 26 તારીખ મુખ્યત્વે વાવણી લાયક વરસાદનો તબક્કો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થશે અને મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. પરંતુ આ તબક્કામાંથી પણ અમુક છૂટક છૂટક વિસ્તાર વાવણી લાયક વરસાદથી વંચિત રહી શકે છે પરંતુ તેવો વિસ્તાર ઓછો હશે અને ત્યાં છેલ્લા તબક્કામાં 7 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.