સાવધાન/ આગામી બે દિવસ ભારે, આ પછી વરસાદનું જોર ઘટશે? જાણો વિગતે... - GKmarugujarat

સાવધાન/ આગામી બે દિવસ ભારે, આ પછી વરસાદનું જોર ઘટશે? જાણો વિગતે…

રાજ્યમાં ભારે મેઘતાંડવ વચ્ચે આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતી કાલ 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે.

બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને લઈ હવે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.

આજે 15 તારીખે નવસારી, ડાંગ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોરબંદર, દેવભુમિ દ્વારકા, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતી કાલે 16 તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેધર મોડેલ મુજબ, 17 જુલાઈથી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ જશે અને અમુક વિસ્તારોમાં સારો તડકો પણ નીકળે જશે.

અતિભારે વરસાદના કારણે રાજ્યમાં બસના 14 હજાર રુટમાંથી માત્ર 148 રૂટ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય 27 સ્ટેટ હાઇવે બંધ, 559 પંચાયત માર્ગ બંધ તેમજ ફરીથી પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહને લીધે નવસારી નેશનલ હાઇવે તેમજ ડાંગ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. કચ્છમાં નેશનલ હાઇવે પણ હાલ બંધ છે.

7 જુલાઇથી સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે 39,177 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જેમાંથી 17,394 લોકો હેમખેમ ઘરે પરત ફર્યા છે. 21,346 લોકો આશ્રય સ્થાનમાં છે.

રાજ્યમાં અત્યાર સુધી ભારે વરસાદના લીધે 5467 ગામોમાં વીજળી બંધ થઈ હતી જેમાંથી 5426 ગામમાં વીજળી પરત ચાલુ કરવામાં આવી છે. અત્યારે માત્ર વધુ પૂરઅસરગ્રસ્ત 41 ગામમાં વીજળી પુરવઠો બંધ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment