હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદ વર્ષે તેવી શક્યતા સેવાઇ રહી છે.
માછીમારો માટે એલર્ટ જાહેર
જાફરાબાદ બંદર પર દરિયામાં પ્રેશરને લઈને ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે અને જાફરાબાદ, ચાંચબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વધુમાં બોટને સલામત સ્થળે ખસેડી લંગારી દેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. 50થી 60 ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓને ધ્યાને લઈ દરિયા કિનારે સિગ્નલ લાગતાં માછીમારો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષા એજન્સી પણ સતર્ક બની છે.
સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન
સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.
સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.
સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.
સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.
મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.