હાલ ગુજરાત પર ચોમાસાની વરસાદ આપનારી કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજ્યમાં વરસાદી માહોલ બનેલો છે, રાજ્યમાં હજી પણ છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ દરિયામાં પણ હલચલ રહેવાની શક્યતાઓ હોવાથી માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે. જોકે, હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, મહીસાગર સિવાય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગનું આગામી 7 દિવસના વરસાદના પુર્વાનુમાનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જોકે, હવામાન વિભાગ દ્વારા ક્યાંય પણ ભારે વરસાદની સંભાવના ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટની આગાહી પ્રમાણે, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તેમજ 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ પડશે.
આ ઉપરાંત 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, કડાણામાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, મહુધામાં 1 ઈંચ, ખેરગામમાં 1 ઈંચ, સંજેલીમાં 1 ઈંચ અને વઘઈમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય કપડવંજ, વલસાડ,ચીખલી, સોનગઢ, લીમખેડા, ઉમરપાડા, બાયડ, ઉમરેઠ, માંડવી, સંતરામપુર, ડેસર, ડાંગ, વાલોડ અને ખાનપુરમાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.