રાજ્યમાં ફરીથી મેઘરાજાની સવારી આવી છે. ભારે વરસાદની કારણે આજે રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં શનિવારની સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26મી જુલાઇથી વરસાદનું જોર ધટી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે. ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
આવતી કાલે 25 જુલાઈના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાનો સમાવેશ છે. વરસાદ ઉપરાંત 24 અને 25 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. વલસાડમાં ફરીવાર ધોધમાર વરસાદની શરૂઆત થઇ જતા જિલ્લામાં સૌથી વધારે 7.3 ઈંચ વરસાદ વાપીમાં ખાબક્યો છે. આ સિવાય ઉમરગામમાં 2.68 ઈંચ, કપરાડામાં 6.64 ઈંચ, ધરમપુરમાં 5.24 ઈંચ, પારડીમાં 3.6 ઈંચ અને વલસાડમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ભાભર અને સુઇ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડીસામાં પણ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. મોડી રાતથી જ અહીંયા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અહીં પાણી ભરાઇ ગયા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.