ઉત્તરા નક્ષત્ર પૂર્ણ થવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે હવે સુર્યનો હસ્ત એટલે કે હાથિયા નક્ષત્રનાં પ્રવેશ થવા જઇ રહ્યો છે. જો કે ઉત્તરા નક્ષત્રમાં કોઈ એવો ખાસ વરસાદ જોવા મળ્યો નથી. અનેક વિસ્તારોમાં વરાપ જોવા મળી રહી છે. પણ હવે સુર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થવા જઇ રહ્યો છે.
મિત્રો હાથીયા નક્ષત્રનું રૂપ કેવું હોય એ આપણે બધાને ખબર છે. કેમ કે આ નક્ષત્રમાં પ્રચંડ કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળતો હોય છે.
ખેડૂતોની નજર હંમેશા બે નક્ષત્ર ઉપર ખાસ રહેતી હોય છે. એક તો ચોમાસાનું પ્રથમ નક્ષત્ર આદ્રા નક્ષત્ર અને બીજું નક્ષત્ર હસ્ત (હાથીયો). આ નક્ષત્રને ચોમાસાનું આમ તો છેલ્લું નક્ષત્ર ગણી શકાય. હસ્ત નક્ષત્ર જેને આપણે દેશી ભાષામાં હાથીયો કહીએ છીએ. મિત્રો હસ્ત નક્ષત્રમાં ગર્જના વધુ હોય છે.
સુર્યનો હાથિયા નક્ષત્રમાં પ્રવેશ આવતી કાલે 27 સપ્ટેમ્બર 2022 નાં રોજ 12:44 કલાકે શિયાળના વાહન સાથે પ્રવેશ થશે. જૂની લોકવાયકઓ મુજબ હાથિયા નક્ષત્રમાં જે વરસાદ થાય એ બપોર બાદ થતો હોય છે. હાથિયા નક્ષત્ર માટે એક જૂની લોકવાયકા પણ છે.
“જો વરશે હાથીયો તો મોતીએ પુરાઈ સાથીયો”
અને“હાથીઓ ગાજે તો તીડ ભાગી જાય”
સુર્યનો આ નક્સત્રમાં મંગળવારે પ્રવેશ થતો હોવાથી આ નક્ષત્રમાં વરસાદી માહોલ ઊભો થશે. હસ્ત નક્ષત્રનો સમયગાળો અને હવામાનના મોડલો ઉપર નજર કરીએ તો, ગુજરાતમાં વરસાદી હવામાન જણાઈ રહ્યું છે.
ટૂંકમાં આ એક સંયોગ પણ કહી શકાય. કેમકે હવામાનના મોડલ મુજબ પણ આવતી કાલથી એટલે કે 27 સપ્ટેમ્બરથી મોટી અસ્થિરતાના ચિન્હો હવામાનના મોડલોમાં જણાઈ રહ્યા છે. જોકે મોટો વરસાદ થાય તેવાં સંજોગો નથી.
હસ્ત નક્ષત્ર દરમિયાન જો વરસાદ થાય તો ખેડૂતોનો પાક પણ ખેતરમાં પાથરે પડ્યો હોય છે. એટલે જ ખેડૂતોને નુકસાનીનો પણ સામનો કરવો પડે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.