રાજ્યમાં આ વર્ષે 127 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે રાજ્યભરમાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાએ અધિકારીક રીતે વિદાય લીધી છે. પરંતુ હજી વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
આ સાથે જ જાણિતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગઈકાલે બાળીના કચ્છમાંથી સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના થોડા ભાગોમાંથી વિદાય લીધું છે.
મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે લો પ્રેશર બન્યું છે. તેના આનુસંગિક સર્ક્યુલેશન 5.8 કી.મી. ની ઊંચાઈએ છે. તેમજ વધતી ઊંચાઈ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. આ સિસ્ટમ આંધ્રના કિનારા તરફ આગળ વધશે તેવી શક્યતા છે આ સિસ્ટમના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી એક ટ્રફ બાંગ્લાદેશ સુધી લંબાય છે.
વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ 4થી 10 ઓક્ટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે, ચોમાસુ વિદાય રેખાની સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગોમાં આગાહી સમયમાં મુખ્યત્વે સુકુ વાતાવરણ રહેશે અને અમુક દિવસે છટાછૂટીની શક્યતા રહેશે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ રેખાની દક્ષિણે ચોમાસાએ વિદાય લીધી નથી. આગાહી સમયમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડશે. જેમાં વધુ શક્યતા આગાહી સમયમાં પાછળના દિવસોમાં રહેશે. આગાહી સમયમાં 8મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં બીજું એક અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.