ગઈકાલે બપોરબાદથી શરૂ થયેલી વાવાઝોડાના લેન્ડફોલની પક્રિયા વહેલી સવાર સુધી ચાલી હતી જેમાં તેનું મુખ્ય સેન્ટર જખૌ પોર્ટ નજીક રાત્રે 10:30 થી 11:30 દરમિયાન પસાર થયું હતું.
વાવાઝોડું કચ્છમાં જ્યારે લેન્ડફોલ થયું ત્યારે પવન 118km ના ફૂંકાયા હતા જેની અસરથી દ્વારકા અને જામનગરમાં પણ 100km આસપાસના પવનો ફૂંકાયા હતા. અત્યારે વાવઝોડુ કચ્છ પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી પસાર થઈ રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાત બાજુ જઈ રહ્યું છે અને તેમાં પવનોની ગતિ ક્રમશ ઘટતી જાય છે. જે નબળુ પડી ધીમે ધીમે લો પ્રેશરમાં ફેરવાઈ જશે.
વરસાદની વાત કરીએ તો કચ્છ અને તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ ચાલુ છે જ્યારે તેની નજીકના બીજા વિસ્તારમાં પણ મધ્યમથી ભારે ચાલુ છે. હજુ આજે કચ્છ અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ ચાલુ રહેશે.
જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાજુ વરસાદ આગળ વધતો જશે અને ત્યાં પણ ભારે થી અતિભારે વરસાદની શકયતા રહશે. ખાસ કરીને કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાત, લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભુક્કા પણ બોલાવી શકે છે. અન્ય વિસ્તારમાં પણ છુટા છવાયા સારામાં સારા રેડા ઝાપટા ચાલુ રહેશે.
આજે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ સિવાય પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ ની શક્યતા રહેશે.
વાવાઝોડું પવનની સાથોસાથ વરસાદમાં પણ ભુક્કા બોલાવી રહ્યું છે, મળતી માહિતી અનુસાર ગાંધીધામ માં 8 ઈંચ, ભુજમાં 6 ઈંચ, અંજાર અને મુદ્રામાં 5 ઈંચ, ભચાઉ અને માંડવીમાં 2.5 ઈંચ, નખત્રાણામાં 2 ઈંચ, અબડાસા અને રાપરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે હજી પણ વરસાદ બઘડાટી બોલાવી રહ્યો છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.