આજથી વરસાદનું આદ્રા નક્ષત્ર શરૂ; ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, ક્યારથી?

એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 22મી જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આદ્રા નક્ષત્રમાં સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસી જાય તેવા ઉજળા સંજોગો વર્તાય રહ્યા છે.

સૂર્યનું પરિભ્રમણ તા. 22/06/2022, બુધવાર એટલે કે આજથી આદ્રા નક્ષત્રમાં થશે. આજે 11:44 એ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે, આદ્રા નક્ષત્રનુ વાહન ઘેટું છે.

આદ્રા નક્ષત્રની લોકવાયકા:
મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા
(મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે)

અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમા ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા વરસી શકે છે.

આદ્રા નક્ષત્રમાં કેટલો વરસાદ?
સામાન્ય રીતે આદ્રા નક્ષત્રની અંદર પાછોતરી વાવણી થતી હોય છે. અષાઢી બીજની વાવણી પણ આદ્રા નક્ષત્રમાં થતી હોય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય તો આદ્રા નક્ષત્રની અંદર ભરપૂર વરસાદ પડતો હોય છે. આ વર્ષે આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. આ સિવાય હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે.

આવતી કાલે દમણ-દાદરાનગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *