રાજ્યમાં હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા અને ભરૂચ, ભાવનગર વગેરે જિલ્લામાં એલર્ટ અપાયું છે તેમજ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પંજાબથી NDRFની 5 ટીમો વડોદરા પહોંચી છે. આ ટીમોને તાપી, ભરૂચ, સુરત, નવસારી અને વડોદરામાં ડીપ્લોય કરી દેવામાં આવી છે.
સોમવારે મોડી સાંજે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘તંત્ર રાહત બચાવની કામગીરી ખુબ ઝડપથી કરી રહ્યું છે. અત્યાર સુધી 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બચાવાયેલા લોકોમાંથી 6853 લોકો હેમખેમ પોતાને ઘરે પરત ફર્યા છે.’
રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે.
આજે 12 તારીખે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતી કાલે 13 તારીખે નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
14 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.