એલર્ટ: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, 24થી 26 જૂન ભારે, NDRF અને SDRFની ટીમ એલર્ટ પર, કયાં કયાં?

વરસાદના વિસ્તારમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે પરંતુ હજી ઘણાં એવા વિસ્તાર છે જ્યાં હજી વરસાદ વરસ્યો જ નથી. હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ તમામ વિસ્તારને આવરી લેશે તો ઘણાં વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ જશે.

હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાની માહિતી આપી છે. ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે. બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું છે.

વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે વડોદરાથી NDRFની એક ટીમ નવસારી પહોંચી ગઈ છે. તો SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં મુકવામાં આવી છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *