ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ! અંબાલાલ કાકાની મોટી આગાહી, જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદની આગાહી

ગુજરાત સહિત દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને મે-જૂન ગરમીના મહિના ગણાય છે, પરંતુ ગરમીની સાથે અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મે મહિનો પૂરો થઈ ચૂક્યો છે, છતાં પણ કેટલાક રાજ્યમાં આખો મહિનો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે ફરી હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે અને ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદ પડી શકે  છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદ પડવાની સંભવાનાઓ છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનશે અને 7થી 11 તારીખે વાવાઝોડું જોર પકડશે. આ સાથે જ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું કે 8થી 11 જૂનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.

અંબાલાલ પટેલની સાથોસાથ હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે પાંચ દિવસના રાજ્યના હવામાન વિશે આગાહી કરીને જણાવ્યું છે કે, બે દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે અમદાવાદ થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની સંભાવના છે. આગામી બે દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યા અનુસાર, આજે ભાવનગર, અમરેલી,  અમદાવાદ  અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદની શક્યતાઓ છે.

Leave a Comment