હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, આ વર્ષ ચોમાસું સારું રહેશે. આવતીકાલે 22મી જૂનથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22 જૂનથી જૂલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આથી તેમણે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. ગયા વર્ષે વાવાઝોડાની અસરને પગલે ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 26-27 જૂન બાદ વડોદરા, આણંદ અને ખેડામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.
આ સાથે જ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠા બાદ કરતાં તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.