ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચોમાસાના વિધિવત્ આગમનને હજુ દોઢ મહિનો પણ થયો નથી ત્યાં રાજ્યમાં સિઝનનો 5૦ ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
4થી જુલાઈથી વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો, જે શનિવાર સુધીમાં પૂર્ણ થયો છે. હવે નવી સિસ્ટમ ઉભી થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ત્યાં સુધીમાં છૂટા છવાયાં ઝાપટાં પડશે.
ઉત્તર ગુજરાતમાં એકંદરે ગત વર્ષ 2021ની 15મી જુલાઈની સરખામણીમાં 12.24 ટકા વધુ વરસાદ થયો છે. કારણ કે વરસાદના પ્રથમ રાઉન્ડે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી દીધી છે. તેની સરખામણીએ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે.
આગામી બે દિવસને લઈને ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આજે એટલે કે 18 જુલાઈના રોજ રાજ્યના નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય આવતી કાલે 19 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમજ રાજ્યના બાકી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ રાજ્યમાં આગામી 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે.
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. તેવી આગાહી જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.