ખેડૂતો અષાઢી બીજના દિવસે બીજના દર્શન કરે અને વરસાદ પ્રમાણે વાવણી કરતા હોય છે. સાથે વર્ષના ચોમાસાનું અનુમાન લગાવે છે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે જોકે આજના દિવસે બીજના ચંદ્રના દર્શન કરવા ખૂબ મુશ્કેલ બનશે. કેમકે, આજે સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ભડલી વાક્ય પ્રમાણે,
“શુક્રવારી વાદળી, જો શનિસ્વર છાય,
ભડલી તો એમ ભણે, વીણ વરસે ન વાજાં”
એટલે કે શુક્રવારે જો આકાશમાં વાદળા બંધાય અને શનિવારના દિવસે આખો દિવસ છાંયડો રહે તો રવિવારે વરસાદ પડ્યા વગર રહેતો નથી એવું જુનું પુરાણુ પ્રખ્યાત ભડલી વાક્યો જણાવે છે. શુક્રવારે જો આકાશમાં વાદળા બંધાય અને શનિવારના દિવસે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે તો, રવિવારે વરસાદ વરસ્યા વગર રહેતો નથી. આવું ભડલી વાક્યોમાં કહેવામાં આવ્યું છે.
આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગઈકાલે (30 જૂન) રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી હતી. આજે નવસારી, વલસાડ અને દિવમાં વરસાદ પડી શકે છે. આવતી કાલે 2 તારીખે દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં તેમજ 3 તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.
સુરત શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રે 11 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. જેમાં ઉમરપાડામાં 7 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, કામરેજમાં 8 ઇંચ, બચોર્યાસીમાં 3 ઇંચ, મહુવામાં 1 ઇંચ, બારડોલીમાં 1 ઇંચ માંગરોળમાં 6 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, માંડવીમાં 1 ઇંચ અને સુરત સીટીમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 9.41% વરસાદ પડ્યો છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. કચ્છમાં સિઝનનો 4.03% છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 4.20% વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો 8.53% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 10.6% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11.73% વરસાદ પડ્યો છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.