ચોમાસાના વરસાદની રાહ જોવાઇ રહી છે, પરંતુ અત્યારે વાવાઝોડું સક્રિય થવાના સમાચાર આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતના વાતાવરણ પર શું અસર થશે?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર, અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંને વાવાઝોડા એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.
અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.
ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને વાવણીલાયક વરસાદ થઈ શકે છે.
ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે. વાવઝોડું મજબૂત બનવાની શકયતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ, આસામ અને મ્યાનમારને અસર કરશે. એટલે હવા ઉપરથી ખેંચાશે.
અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર, અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે. ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 15થી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 22થી 25 જૂને અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે. પિયતની સુવિધા હોય તેઓ વાવણી કરી શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.