મિત્રો, તમને અગાઉ જણાવ્યું એ મુજબ, દાંતીવાડા અને સીપુ ડેમનાં ઉપરવાસમાં 26 જુલાઈએ ભારે વરસાદની શક્યતા રહેશે અને હવે ચાર્ટ તે મુજબ ગોઠવાઈ રહ્યા છે. આજે 26 તારીખે ઉત્તર ગુજરાત – રાજસ્થાન બોર્ડર પર ભારે વરસાદની પૂરી શક્યતા રહેશે.
આજે દિવસ દરમ્યાન બનાસકાંઠા-સાબરકાંઠાની રાજસ્થાન બોર્ડર પર ભારે વરસાદની શક્યતા રહેશે. વધુ શક્યતા રાજસ્થાન બાજુ રહે પણ થોડું આમતેમ થાય તો આ વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી દેશે.
આ સિવાય સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ગુજરાત દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં સારા વરસાદની પૂરી શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
આજ સાંજથી કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર (મોરબી, સુરેન્દ્રનગર) જિલ્લામાં પણ સારા વરસાદની થોડી શકયતા રહેશે. બાકી વિસ્તારોમાં રેડાં / ઝાપટાં ચાલુ રહેશે. દક્ષિણ પૂર્વ ગુજરાત એટલે કે નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં રેડાં / ઝાપટાંથી વધારે વરસાદ પડે તેવી થોડી શકયતા રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. ત્યાર બાદ આવતી કાલથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે.
ગઈ કાલે રાજ્યના 231 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ વરસાદ થરાદમાં 6 ઈંચ અને લાખણીમાં 4ઈંચ ખાબક્યો છે.
આ સિવાય સુઈ ગામમાં 3.5, પાલનપુરમાં ત્રણ, વાવમાં 2.7, ખેડાના કઠલાલમાં પોણા ચાર ઈંચ, મહેમદાવાદમાં ત્રણ ઈંચ, ખેરગામમાં પોણા ત્રણ ઈંચ, કચ્છના અંજાર અને ભરૂચના વાલિયામાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, ભચાઉ, સંતરામપુર, કપરાડા અને ડાંગમાં 2-2 ઈંચ વરસાદ, હાંસોટ, ભૂજ અને કડાણામાં પોણા બે ઈંચ વરસાદ, વડોદરા, બોડેલી, વિજયનગર, દાંતીવાડા, મહેસાણામાં 2.5 ઈંચ વરસાદ તો સંખેડા, ફતેપુરા, હારીજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.