ગુજરાતમાં મેઘમહેર/ છેલ્લાં છ વર્ષમાં સૌથી વહેલાં ચોમાસાની વિદાય, આવતી કાલે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

ભારતીય હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગઈ કાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તેમજ ઉત્તર પશ્ચિમ કચ્છના થોડા ભાગોમાંથી વિદાય લીધી છે. એટલે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

ગુજરાત પર અંદાજે ચાર મહિના સુધી હેત વરસાવ્યા બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. નૈઋત્યના ચોમાસાએ મંગળવારે કચ્છમાંથી વિદાય લીધી હતી. હવે આવનારા દિવસોમાં રાજ્યના અન્ય ભાગમાંથી પણ ચોમાસું વિદાય લેશે. ગુજરાતમાં આ વખતે 39.43 ઈંચ સાથે મોસમનો 118% વરસાદ નોંધાયો છે.

છેલ્લા 6 વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી વહેલી વિદાય છે. અગાઉ 2016માં 15 સપ્ટેમ્બર, 2017માં 27 સપ્ટેમ્બર, 2018માં 29 સપ્ટેમ્બર, 2019માં 9 ઓક્ટોબર, 2020માં 28 સપ્ટેમ્બર, 2021માં 6 ઓક્ટોબરના નૈઋત્યના ચોમાસાએ વિદાયની શરૃઆત કરી હતી.

આ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઇ લે તેવી સંભાવના છે. ચોમાસાએ મંગળવારે કચ્છ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાંથી પણ વિદાય લીધી હતી. ગુજરાતમાં આ વખતે જૂનના બીજા સપ્તાહથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ
આ વખતે સમગ્ર રાજ્યમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. 10થી 20 ઈંચ વરસાદ પડયો હોય તેવા 34, 20થી 40 ઈંચ વરસાદ પડયો હોય તેવા 130 અને 40 ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા 87 તાલુકા છે.

સરેરાશની રીતે સૌથી વધુ વરસાદ પડયો હોય તેવા રીજીયનમાં કચ્છ મોખરે છે. કચ્છમાં 33.25 ઈંચ સાથે સીઝનનો 185 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાંથી સીઝનનો સૌથી ઓછો 93.26 ટકા વરસાદ પડયો છે.

ગુજરાતમાં ગત વર્ષે 98.48 ટકા, 2020માં 136.85 ટકા, 2019માં 146.17 ટકા, 2018માં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, બે વર્ષ બાદ આ વખતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માત્ર આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ પછી રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment