ગઈ કાલે આગાહી મુજબ ગણપતિ બાપ્પાને વિદાય આપવા ઘણી જગ્યાએ વરસાદ શરૂ થયો હતો. રાત્રે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બધા જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં વરસાદ આવશે.
આ સિવાય પણ આજે મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. આવતી કાલથી એટલે કે 11 તારીખથી હજુ પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે.
તેમજ 12/13 તારીખમાં બધી બાજુ વરસાદનું પ્રમાણ વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. વરસાદી સિસ્ટમનો આ રાઉન્ડ 16 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. જોકે આ વરસાદથી કપાસ તેમજ કઠોળના પાકમાં નુકસાનીનો માહોલ પણ ઉભો થઈ શકે છે.
આવતા દિવસોમાં કડાકા ભડાકા સાથેની વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલુ રહેશે. તો યુરોપિયન મોડલની લેટેસ્ટ અપડેટ મુજબ 17 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. આ વિસ્તારોમાં એવરેજ 4થી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે.
આ સાથે જ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં 102% વરસાદ થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂત મિત્રોનું કહેવું છે કે, હજુ એવા ઘણા વિસ્તારો છે જ્યાં ઓછો વરસાદ છે. ઘણી જગ્યાએ ઓછો વરસાદ છે તો અમુક જગ્યાએ વધુ પડતો વરસાદ વરસી ગયો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.