ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના પુષ્ય નક્ષત્ર વિશે માહિતી મેળવીશું.
હાલમાં ચોમાસાનું પુનર્વસુ નક્ષત્ર શરૂ છે. પુનર્વસુ પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. પુષ્ય નક્ષત્ર આવતીકાલે તા. 20/07/2022 ને બુધવારે સવારે 10:50 શરૂ થશે અને 02 ઓગસ્ટ સુધી શરૂ રહેશે. આ નક્ષત્રનું વાહન શિયાળ છે. પુષ્ય નક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે.
લોકવાયકા:
“પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”
લોકવાયકા મુજબ, જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે આ બે નક્ષત્રમાં વરસાદ જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં ખુબ ભારે વરસાદ પડ્યો છે ત્યારે લોકવાયકા મુજબ પુષ્ય નક્ષત્રમાં ભારે વરસાદ પડી શકે છે.
પુષ્ય નક્ષત્રમાં કેવો વરસાદ પડે?
છેલ્લે પુનર્વસુ નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે સારો વરસાદ નોંધાયો છે. હાલમાં રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે આગામી થોડા દિવસો વરસાદથી રાહત મળશે. જોકે 22 જુલાઈ પછી ફરી વરસાદનું જોર વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 19 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમજ રાજ્યના બાકી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. તેવી આગાહી જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.