રાજ્યમાં ક્રમશ વાતાવરણ સુધારા તરફ જશે અને સપ્ટેમ્બરના મહિંનાના બીજા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડ આવશે તેમ તેમ અત્યારે ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર બની ગયું છે જેની અસર હેઠળ 6/7 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે.
લો પ્રેશર સિસ્ટમ જમીન વિસ્તારમાં આગળ વધી મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારબાદ સ્થિતિ ગુંચવણ ભરી છે જેમાં હજુ સ્પષ્ટતા નથી. આ લો પ્રેશરને ગુજરાત સુધી પહોંચવા દેવામાં જે પરિબળો નુકશાનકર્તા છે તે પરિબળો લો પ્રેશરને મધ્યપ્રદેશ સુધી અથવા પૂર્વ ગુજરાત સુધી આવીને અટકાવી દે અને વિખેરી નાખે અથવા તો લો પ્રેશર લડીને આગળ વધી નુકશાનકર્તા પરિબળોને દૂર ધકેલી ગુજરાત ઉપર આવી શકે છે.
હવે બંને પરિબળો પ્રમાણે ગુજરાત પર લો પ્રેશરની અસર અલગ અલગ વર્તાઈ શકે છે. હાલમાં અમરીકન મોડલ સતત ગુજરાત માટે નબળુ તો યુરોપ મોડલ ઘડીક આશા દેખાડે છે તો ઘડીક નિરાશ કરે તેવું વલણ અપનાવી રહ્યું છે. ટૂંકમાં ગુજરાતની આગાહી કરવી એટલે દુનિયાની ટોચની વેધર સંસ્થા માટે પણ લોઢાના ચણા ચાવવા બરાબર.
આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 05/09/2023 ના) કપાસના બજાર ભાવ
જો પ્રથમ શકયતા પ્રમાણે રહે અને લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રેદશ કે પૂર્વ ગુજરાત સુધી આવે તો 6 તારીખે મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએથી રાઉન્ડની શરૂઆત થશે. જેમાં 7 તારીખે ઉતરપૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. જ્યારે આ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વિસ્તારમાં વરસાદ સાથે રાઉન્ડની શરૂઆત થઈ શકે છે. જ્યારે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટા છવાયા ક્યાંક ક્યાંક ઝાપટા પડશે.
આ સિવાય જો બધુ બરાબર રહે અને બીજી શકયતા પ્રમાણે લો પ્રેશર ગુજરાત ઉપર આવે તો 6 અને 7 તારીખ માટે તો ઉપર જણાવ્યા મુજબ જ રહેશે પંરતુ 8/9 તારીખથી તેમાં જણાવ્યા એ વિસ્તારો સિવાયના ઘણા વિસ્તારોમાં પણ સારો લાભ મળી શકે અને પ્રથમ લો પ્રેશર થકી એક સારો રાઉન્ડ મળી જાય અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.
હાલ 7 તારીખ સુધી બંને સરખી આગાહીને ધ્યાનમાં લ્યો અત્યારે બાકી આગળ જે ફેરફાર હશે જે શકયતા ફાઈનલ થશે તેની અપડેટ ફરીથી આપવામાં આવશે. હાલ ગુજરાતમાં વરસાદની ખાસ જરૂર હોવાથી આ લો પ્રેશર ગુજરાત પર આવે તો ગુજરાતને મોટો ફાયદો મળી શકે છે.
જો આ પ્રથમ લો પ્રેશરથી ગુજરાતને વરસાદનો ફાયદો ન મળે તો આગોતરા મુજબ બેક ટુ બેક બીજું લો પ્રેશર 13 તારીખ આસપાસ બનવાનું છે. હજુ પ્રથમ લો પ્રેશરના રૂટ ક્યાં સુધી આગળ વધે એ નક્કી નથી એટલે બીજા લો પ્રેશરના રૂટનું અત્યારે ફાઇનલ ના હોય પણ તે લો પ્રેશર પણ ગુજરાતને ફાયદો અવશ્ય આપશે. વરસાદના આ રાઉન્ડમાં કડાકા ભડાકા વાળો વરસાદ વધુ જોવા મળશે.
આ પણ વાંચો: અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 10 તારીખ સુધીની આગાહી, હવે ધોધમાર વરસાદ ક્યારે થશે?
આ રાઉન્ડમાં એક સાથે બધાનો વારો નહિ આવે કોઈકનો પ્રથમ તો કોઈકનો બીજા લો પ્રેશરમાં વારો આવી શકે એટલે પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ટૂંકમાં આપણા માટે સપ્ટેમ્બરનું બીજું અને ત્રીજું અઠવાડિયું છે વરસાદની દ્રષ્ટીએ ખુબ સારુ છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.