રેડ એલર્ટ: ગુજરાતના આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, અતિભારે વરસાદની આગાહી

નૈઋત્યનું ચોમાસું આખા ગુજરાતને ઘમરોળી રહ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી બે દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા પણ જણાવાયું છે.

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જામનગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ થઈ ગયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપી છે. આ સાથે જ કોઈ પણ અધિકારીએ હેડ ક્વોર્ટર ન છોડવા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તા. 09-07-2022 અને તા. 10-07-2022 ના રોજ જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જેના પગલે જિલ્લામાં આવેલ ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12 જુલાઈ સુધી ગુજરાતમાં હજી પણ મૂશળધાર વરસાદ પડતો રહેશે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં એકથી આઠ જુલાઈ દરમિયાન 182.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં આઠ ટકા વધારે છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *